Thursday, August 20, 2015

હાલો ભેરૂ ગામડે

                                                                 - નાથાલાલ દવે
એવા આવે છે ધરતીના સાદ રે,
        હાલો ભેરૂ ગામડે , હાલો ભેરૂ ગામડે. 


ભીની માટીની ગંધ આવે યાદ રે,
        હાલો ભેરૂ ગામડે , હાલો ભેરૂ ગામડે.

બોલાવે આજ એના ખુલ્લા આકાશને,
મીઠા પરોઢના  અલબેલા  ઉજાસને;

ઘેરા ઘમ્મર,ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે,
         હાલો ભેરૂ ગામડે , હાલો ભેરૂ ગામડે. 

ચારીશું ગાવલડી ડુંગરાની ઢાળે,
બાંધીશું  હીંચકો વડલાની  ડાળે;

મોર ટહુકે, મોર ટહુકે સરોવરની પાળ રે,
        હાલો ભેરૂ ગામડે , હાલો ભેરૂ ગામડે.

ગાઓરે બંધવા ગામડાનાં ગીતો,
યાદ કરો ભોળુંડાં માનવીની પ્રીતો;

 જાણે જીન્દગીના, જાણે જીન્દગીના મીઠાં નવનીત રે,
       હાલો ભેરૂ ગામડે , હાલો ભેરૂ ગામડે.

ખૂંદવાને સીમ, ભાઇ, ખેડવાને ખેતરો,
ભારતનાં ભાવિનાં કરવાં  વાવેતરો;

હે જી કરવા,હે જી કરવા મા-ભોમને આબાદ રે,
        હાલો ભેરૂ ગામડે , હાલો ભેરૂ ગામડે.


No comments:

Post a Comment