ફોટો ગેલેરી
   બાળમિત્રો, વિશ્વની ૯ (નવ) અર્વાચીન અજાયબીઓમાં જેની ગણના થાય છે તે ફ્રાન્સ દેશની રાજધાની પેરિસમાં આવેલો  આ  'એફિલ ટાવર' છે. આ એફિલ ટાવર બનાવવા માટે ૨૫,૦૦,૦૦૦ (પચ્ચીસ લાખ) સ્ક્રૂનો ઉપયોગ કરાયો છે.તેની ઊંચાઇ મોટેભાગે ૯૮૪ ફૂટ જેટલી રહે છે.તાપમાનને કારણે તેની ઊંચાઇમાં ૬ ઈંચ જેટલો ફેરફાર થયા કરે છે.   

*****         બાળમિત્રો, અહીં આપેલ આ ઇમારતને તમે ઓળખો છો ? જો ના ઓળખતા હો તો  તેને ઓળખવા પ્રયત્ન કરો. મુગલ શાસક અકબરે આપણા દેશના ઉત્તરપ્રદેશ રાજ્યના આગરા શહેરની નજીક સીકરીના પહાડ પર ફતેહપુર નામની એક નવી રાજધાનીની રચના કરી હતી. આ ફતેહપુર સીકરીમાં 'જામા મસ્જિદ' નું બાંધકામ કરવામાં આવેલું છે.આ 'જામા મસ્જિદનું દક્ષિણનું પ્રવેશદ્વાર   બુલંદ દરવાજો છે.ઉપરનો ફોટો આ "બુલંદ દરવાજા" નો છે. આ દરવાજો વિશ્વનો સૌથી મોટો દરવાજો છે.જે ૫૪ મીટર ઊંચો અને ૩૫ મીટર પહોળો છે.
*****

            બાળમિત્રો, આ ઇમારતને તો તમે ઓળખી જ ગયા હશો. હા, આ "તાજમહાલ" (તાજમહેલ) છે. મુગલ સમ્રાટ શાહજહાંએ તેની પત્નિ મુમતાજ મહલની યાદમાં આગ્રામાં એકદમ સફેદ આરસપહાણમાંથી મકબરો બનાવેલ છે.આ મકબરો એ જ તાજમહલ છે. મિત્રો, વિશ્વવિખ્યાત આ તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામેલો છે.તાજમહાલ એ આપણા દેશની ધરોહર છે.
 *****

    બાળમિત્રો, આ ઐતિહાસિક ઇમારતને કોણ નહીં ઓળખતું હોય ? જરા ધ્યાનથી નિહાળો. આપણા દેશની રાજધાની દિલ્લીમાં આવેલા આ ઐતિહાસિક કિલ્લાનું  નામ  " લાલકિલ્લો " છે.જ્યાં સ્વતંંત્રતા દિને આપણા દેશના વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. મુગલ શાસક શાહજહાંએ આ કિલ્લાનું નિર્માણ  તેમનાં રાજવી પરિવારના નિવાસસ્થાન માટે કરાવેલ.આ કિલ્લાની અંદરના ભાગે 'દીવાને આમ', 'દીવાને ખાસ' અને 'મોતી મસ્જિદ' જેવાં મહત્વનાં બાંધકામ આવેલાં છે.
*****


       બાળમિત્રો, ઉપરની તસવીર  જરા ધ્યાનથી જુઓ.આ તસવીર આપણા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેના સૂર્યમંદિરની છે.જે મોઢેરાના સૂર્યમંદિર તરીકે જાણીતું છે. ઇ. સ. 1026-27 ના સમયગાળામાં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા બંધાયેલ આ સૂર્યમંદિર શિલ્પ અને સ્થાપત્યકલાની દ્દષ્ટીએ બેનમૂન છે.ઊંચા ઓટલા પર આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે.મંદિરની છતને આઠ થાંભલાઓનો આધાર આપવામાં આવેલો છે. આ થાંભલાઓ અષ્ટકોણ આકારના છે.બહારની દિવાલો તથા થાંભલાઓ પર રામાયણ-મહાભારતના પ્રસંગો તેમજ દેવી-દેવતાઓની આકૃતિઓ તેમજ સૂર્યના વિવિધ સ્વરૂપો કંડારવામાં આવ્યાં છે.આજે આ મંદિર ખંડેર સ્વરૂપમાં છે.પરંતુ તેની ભવ્યતા હજી અકબંધ છે.આ મંદિરને મહમંદ ગઝનવીએ ખંડિત કર્યું હતું.આ મંદિર ત્રણ અંગો ધરાવે છે.(1) ગર્ભગૃહ (2) અંતરાલ અને (3) સભામંડપ.સભામંડપ એ આ મંદિરનો સૌથી સુંદર,ભવ્ય અને કલાકારીથી ભરપૂર ભાગ  છે.હાલ આ મંદિરમાં ભગવાન સૂર્યની મૂળ પ્રતિમા તેના સ્થાને રહી નથી.પરંતુ મંદિરના અન્ય ઉપભાગો પર સૂર્યની વિવિધ પ્રતિમાઓ જોઇ શકાય છે.આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે ઉગતા સૂર્યનાં કિરણો સીધા જ ગર્ભગૃહમાં પ્રવેશે છે.જેથી ગર્ભગૃહમાં જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય તેવું ભાસે છે.આ સૂર્યમંદિરના પ્રાંગણમાં દરવર્ષે ત્રણ દિવસનો નૃત્ય-સગીતનો મહોત્સવ યોજવામાં આવે છે.
                                     *****


                      અજન્તાની ગુફાઓ:  ચિત્ર-૧

                    અજન્તાની ગુફાઓ:  ચિત્ર-૨

                    અજન્તાની ગુફાઓ:  ચિત્ર-૩

                           અજન્તાની ગુફાઓ:  ચિત્ર-૪


     બાળમિત્રો, અજન્તા અને ઇલોરાની ગુફાઓ વિશે તમે સાંભળ્યું હશે.હા, ઉપરનાં ચિત્રો આ ગુફાઓનાં જ છે. અજન્તાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજન્તા નામના ગામની નજીક આવેલી છે. આ ગુફાઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ, અશ્વ નાળ આકારની ખીણમાં અજંતા ગામથી 31/2 કિ.મી. દૂર બનાવવામાં આવેલી છે. આ ગામ ઔરંગાબાદ શહેરથી 106 કિ.મી. દૂર આવેલું છે.   

          ઈ.સ. પૂર્વે બીજી સદીની આસપાસ પથ્થરો અને ખડકોને કોતરીને ૨૯ જેટલી ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે સચવાયેલી છે અને તેનો જોવાલાયક સ્થળોમાં સમાવેશ થયો છે. ગુફાની દીવાલો પર ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. ૧૯૮૩માં અજન્તાની ગુફાઓને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવામાં આવી હતી. પહેલાં તો આ ગુફાઓ વિશે ખાસ કોઈને ખ્યાલ ન હતો, પરંતુ 28 એપ્રિલ,1819 ના રોજ જ્હોન સ્મિથ નામના અધિકારીએ આ ગુફાઓનું પ્રવેશદ્વાર શોધી કાઢયું હતું.ત્યારબાદ ધીરે ધીરે બધી જ ગુફાઓ વિશે જાણકારી મળવા લાગી. આમાંની એક ગુફાની દીવાલ પર આખી જાતકકથાને લગતાં ચિત્રો બનાવવામાં આવ્યાં છે.
                ઇલોરાની ગુફાઓ: ચિત્ર-૧


     ઇલોરાની ગુફાઓ: ચિત્ર-૨

           ઉપરના ચિત્રો ઇલોરાની ગુફાઓનાં છે.ઇલોરા (મૂળ નામ વેરુળ) એક પૌરાણિક સ્થળ છે.જે મહારાષ્ટ્ર્રના ઔરંગાબાદથી 30 કિ.મી. ના અંતરે આવેલું છે.અહીં 34 ગુફાઓ આવેલી છે.જે ઇલોરાની ગુફાઓ તરીકે જાણીતી છે.આ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશજના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ 600 થી 1000 ઈ.સ.ના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. છે .આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે. બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ અને જૈન ધર્મનો પ્રભાવ આ ગુફાઓનાં ચિત્રો પર જોવા મળે છે.  
 
વધુ માહિતી અને ફોટોગ્રાફસ આવતા પખવાડિયે...... મુલાકાત લેતા રહેશો.


No comments:

Post a Comment